રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું

 

રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. સ્થળાંતરિત લોકોને સમયસર ફૂડ પેકેટ પહોંચાડી શકાય તેમજ તેમના માટે નિવાસની વ્યવસ્થા કરી શકાય તે માટે કલેક્ટરશ્રીએ આજે રાજકોટની વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. સાથે બેઠક યોજી હતી. એમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટની આગોતરી તૈયારી રાખવાનું આયોજન કરાયું હતું.

.

.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સમાજસેવી સંસ્થાઓએ વહીવટી તંત્રની સાથે ખડેપગે રહીને સેવાકીય કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંસ્થાઓ પાસેથી ફૂડ પેકેટ્સ અને નિવાસની તેમની તૈયારી અને ક્ષમતાઓ જાણી હતી. આ સાથે પશુ-પક્ષીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ સેવાકીય કાર્ય કરતા સ્વયંસેવકોની પણ આપદા વચ્ચે પૂરતી દરકાર લેવાય તેની તકેદારી રાખવા સંસ્થાઓને જણાવ્યું હતું. આ બેઠકમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટ્સ આગોતરા તૈયાર રાખવા તેમજ બચાવકાર્ય માટેની કીટ સાથે સ્વયંસેવકોને તૈયાર રહેવા જણાવાયું હતું. આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધીએ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. 



Comments